અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમા ટિકિટ મેળવવા જોરજાક જંગ જામ્યો છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા છે.


આ પૈકી જોરદાર જંગ ધારી બેઠકની ટિકિટ મેળવવા છે.  ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ અપાવવા સામસામે આવી ગયા છે ત્યારે કોને ટિકિટ મેળે છે તેના પર સૌની નજર છે. ધારીમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની દીકરી જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાવવા સક્રિય છે. જેનીબેન હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમને ટિકિટ મળે તેવી શક્યતા છે.

બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા  પરેશ ધાનાણી સુરેશ કોટડિયાને આગળ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બે પાટીદાર નેતા સામસામે આવી ગયા છે. વિપક્ષના નેતા દુરાગ્રહ ન રાખે તો આ બેઠક જીતવી કોંગ્રેસ સરળ બની રહેશે તેવી શક્યતા છે. જે.વી. કાકડિયાએ પક્ષપલટો કર્યો હોવાથી મતદારો તેમનાથી ખાસ્સા નારાજ છે ત્યારે બંને પાટીદાર નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ થે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.