નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે 30 સપ્ટેમ્બરે સાંજે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. મોદી સરકારે અનલોક-5માં 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ થીયેટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલશે તેવી અટકળો  ચાલી રહી છે પણ આ અંગેનો નિર્ણય ગુજરાતની વિજય રૂપાણી સરકારે લેવાનો છે. મોદી સરકારે મલ્ટિપ્લેક્સ અને થીયેટરો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો છે તેથી હવે રૂપાણી સરકાર આ અંગે નિર્ણય લેશે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલોક-5માં માત્ર 50 ટકા સીટો સાથે મલ્ટિપ્લેકસ અને સિનેમાઘરોને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 15 ઓક્ટોબર બાદ થિયેટરો ખોલી શકાશે પણ નિર્ણય રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતીને આધારે લેવાનો રહેશે.

બુધવારે રાજ્યમાં 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં બુધવારે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710   એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.

દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 86,821 કોવિડ-19 કેસ અને 1,181 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 63,12,585 કેસ છે, જેમાંથી 9,40,705 એક્ટિવ કેસ છે અને 52,73,202 ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી 98,678 લોકોના મોત થઈ ચુક્યા છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ