ભુજઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે નલિયા ખાતેની સભામાં વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને દારૂડિયા કહેતાં વિવાદ થઈ ગયો છે.


રૂપાણીએ કહ્યું કે,  કોરોના સમય કોંગ્રેસના લોકો જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા મારતા હતા.  વિજય રૂપાણીએ અબડાસા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતી વખતે નલિયાની જાહેર સભામાં લોકોને કોંગ્રેસના ઉમેદવારો મત માંગવા આવે ત્યારે આ અંગે સવાલ કરવા પણ કહ્યું.

રૂપાણીના આ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓ બગડ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે, જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવાયા ત્યારે અક્ષર પટેલ, જે.વી. કાકડિયા સહિતના હાલમા ભાજપના ઉમેદવારો પણ તેમની સાથે ગયા હતા. રૂપાણીએ જવાબ આપવો જોઈએ કે, અત્યારે ભાજપમાં ગયેલા કોંગ્રેસના જૂના ધારાસભ્યોએ પણ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા માર્યા હતા કે નહીં ?

મુખ્યમંત્રીના દારુના નિવેદન પર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, મુખ્યમંત્રીએ  આવું નિવેદન ના આપવું જોઈએ. તેમણ સવાલ કર્યો કે, જેના પ્રચારમાં સીએમ ખુદ ગયા છે તે બધા ઘારાસભ્યો પણ જયુપર હતા તો શું તે લોકો બધા દારુડિયા હતા ? તેમણે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધીઓ પર આવા આક્ષેપો કરવા યોગ્ય નથી અને મુખ્યમંત્રીએ પ્રજાના  પ્રતિનિધી તેમજ પ્રજાની માફી માંગવી જોઈએ.