ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.


પેટ ચૂંટણીની ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું, “ભાજપાના જાહેર થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હંમેશા ગુજરાત સરકારની વિકાસની રાજનીતિનું સમર્થન કરી સર્વે ઉમેદવારોને વિજયી બનાવશે. ભાજપાના સૈનિકોની જેમ સમર્પિત કાર્યકર્તાઓ-આગેવાનોના પરીશ્રમથી આ વિજય ભવ્ય બનશે.”

ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી

કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડી હતી. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેના કારણે આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું મતદાન યોજાશે.

10 નવેમ્બરે પરિણામ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા, ટિકિટ મળ્યા બાદ ભાજપના કયા ઉમેદવારના પત્નીએ આપ્યું આ નિવેદન