Gujarat By Poll 2024: રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભાની સાથે સાથે આ વખતે ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણીની પેટાચૂંટણી પણ યોજાશે, ભાજપે પેટાચૂંટણીને લઇને ગયા અઠવાડિયે જ પોતાના તમામ પાંચ બેઠકો પરના ઉમેદવારોના નામે જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ પણ હવે ચર્ચામાં આવ્યુ છે. કોંગ્રેસની આજે દિલ્હીમાં સીઇસીની બેઠક યોજાશે, જેમાં લોકસભા બેઠકના ઉમેદવારોની સાથે સાથે ગુજરાતની પાંચ બેઠકો પરની પેટાચૂંટણી માટેના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઇ શકે છે. ખાસ વાત છે કે, આ પાંચ બેઠકો પર કોંગ્રેસના કેટલીક સીનિયર નેતાઓના નામની ચર્ચાઓ શરૂ થઇ છે. જુઓ અહીં....


આજે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી કમિટીની બેઠક યોજાશે, આ સીઇસીની બેઠકોમાં કોંગ્રેસ લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પણ ચર્ચા કરશે. સુત્રો અનુસાર આ બેઠકોમાં ગુજરાતની સાત લોકસભા બેઠકો ઉપરાંત પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો પણ નક્કી કરવામાં આવી શકે છે.


ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, સુત્રો અનુસાર, પેટાચૂંટણીને લઇને વિજાપુર બેઠક માટે પ્રદેશ કોંગ્રેસે બે ઉમેદવારોના નામ મોકલ્યા છે. ભરત પટેલ અને સ્મિતા પટેલનું નામ આ પેનલમાં સૌથી આગળ છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય પેટાચૂંટણી માટે માણાવદર બેઠક માટે પ્રદેશ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી છે. જેમાં હરિભાઈ કણસાગરા અને ગોવિંદભાઈ ડાંગરનું નામ પેનલમાં છે. સુત્રો અનુસાર, માણાવદર પેટાચૂંટણી માટે પાલ આંબલિયાનું નામ પણ પેનલમાં સામેલ છે. પોરબંદરથી રાજુ ઓડેદરાનું નામ પેનલમાં છે. વાઘોડીયાથી પ્રદેશ કોંગ્રેસે બે ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. જેમાં કનુભાઈ ગોહિલ, કિરણસિંહ પરમારનું નામ પેનલમાં સામેલ છે. ખંભાતથી ગુજરાત કોંગ્રેસે ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. આ લિસ્ટમાં મહેન્દ્રસિંહ પરમાર, દાનુ ગોહેલ, નવિન સોલંકીનું નામ પેનલમાં સામેલ છે.


ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી બેઠકો જીતશે ?  કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કર્યો મોટો દાવો


ગુજરાતમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હાલમાં ગુજરાતના પ્રવાસે છે.  લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં  કૉંગ્રેસ 10 બેઠકો જીતશે તેવો દાવો મુકુલ વાસનિક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ લોકસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું,  માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ છે.  મતદાન નજીક આવતા ભાજપ સામેનો આક્રોશ વધુ જોવા મળશે. નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. 


ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. બે બેઠકો પર ભાજપે વિરોધના કારણે ઉમેદવારો બદલવાનો વારો આવ્યો છે. હજુ પણ અનેક બેઠકો પર મુશ્કેલી જોવા મળી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે. ભાજપે લોકસભાના મેદાનમાં 26 બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે. બીજી બાજુ કૉંગ્રેસના સાત ઉમેદવારો જાહેર થવાના બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરી હતી. જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 


આ 7 તબક્કામાં યોજાશે મતદાન



  • દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.