જૂનાગઢ: રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની મુશ્કેલી સતત વધી રહી છે. રાજપૂત સમાજને લઈ કરેલા નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગી હતી તેમ છતા વિવાદ યથાવત છે.   ત્યારે  હવે ક્ષત્રિય સમાજ બાદ વધુ એક સમાજ નારાજ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે.  ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું જેના કારણે અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ હોવાના અહેવાલ છે.  પરશોત્તમ રુપાલા સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. 




વંથલીના સામાજિક કાર્યકર દ્વારા ફરિયાદ નોંધવા માંગ


પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે.  ગોંડલ ખાતેના શુક્રવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો  ઉચ્ચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  વંથલીના સામાજિક કાર્યકર દ્વારા પરશોત્તમ રુપાલા વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધવા માંગ કરી છે.  


રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિરુદ્ધ વાણવી અજયકુમાર નાનજીભાઈ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, ગોંડલ ખાતેના કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચ્ચારેલ જેના વિરુદ્ધમાં એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવા બાબત. 






આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે,  પરશોત્તમ રુપાલા દ્વારા તેમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ તેમના કોઈ કામનો નહોતો અમે તો એમ જ પહોંચી ગયા હતા, તેવુ નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ છે. 



રુપાલા સામે ક્ષત્રિય સમાજમાં વધ્યો આક્રોશ


રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજને લઈ કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા.  તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહ જાડેજા આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાએ સવાલ ઉઠાવ્યા છે અને રાજકીય રોટલા ન શેકીને સમાજની બહેનોના ન્યાય સામે લડત આપવા અનુરોધ કર્યો હતો.