સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે લીંબડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને રીટર્નિંગ ઓફિસર ઝગડી પડ્યા હતા. રીટર્નિંગ ઓફિસર (RO) અને કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર વચ્ચે ઉમેદવારીપત્ર ભરતી વખતે હાજર રહેનારા કાર્યકરોની સંખ્યાને મુદ્દે રકઝક થઈ હતી.


ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા અને કોરોનાના કારણે બહાર પડાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ઉમેદવાર સિવાય માત્ર બે લોકોને હાજર રહેવા રીટર્નિંગ ઓફિસરે ખાચરને જણાવ્યું હતું. સામે કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે, ગઈકાલે ભાજપના ઉમેદવાર આવ્યા ત્યારે નિયમો નહોતા પાળ્યા અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કોંગ્રેસે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું તે સમયના ફોટો રજૂ કરવાની તૈયારી પણ બતાવી હતી. આ પછી રીટર્નિંગ ઓફિસર ઠંડા પડી ગા હતા અને તેમણે કહ્યું કે, અમે માત્ર નિયમોનું પાલન કરવા સૂચના આપીએ છીએ અને અત્યારે કોઈ કાર્યવાહી કરતા નથી. રીટર્નિંગ ઓફિસરનું વલણ જોયા પછી ખાચરે પણ શાંતિ જાળવતાં મામલો ઠંડો પડયો હતો.