સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે તે સામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે લાલ આંખ કરીને કહ્યું હતું કે, કૉંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. હવે ગુજરાતની વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ પ્રધાન આર.સી. ફળદુએ પાટીલથી જુદો સૂર કાઢ્યો છે. ફળદુએ કોંગ્રેસના નેતાઓને આવકારવાનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું કે, વિકાસ પ્રવાહમાં કોઈ પણ જોડાઈ શકે છે.

ફળદુનું આ નિવેદન સી.આર. પાટીલના નિવેદનથી સાવ સામા છેડાનું છે. અલબત્ત કોઈ વિવાદ ના ઉભો થાય એટલે વાતને વાળવા તેમણે એવું કહ્યું કે, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનાં નિવેદનનો ઊંધો અર્થ ન કરો.

ફળદુની વાત એ વાતનો પુરાવો છે કે, ભાજપમા બહારથી આવતા નેતાઓને બદલે પક્ષના નેતાઓને જ મહત્વ આપવાના પાટીલના અભિગમ સામે તેમને વાંધો છે.



બીજી તરફ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયેલા ખેડૂતો મુદ્દે આર.સી.ફળદુએ પોતે અજાણ હોવાનું જણાવ્યું. કૃષિમંત્રીએ આ મુદ્દાને લઈને અજાણ હોવાનું જણાવીને કહ્યું કે, આજે ખેડૂતો ભેગા થયા હતા કે નહીં તેનો મને ખ્યાલ નથી પણ જો ખેડૂતોને લગતો આવો કોઈ મુદ્દો હશે તો હું જોઈ લઈશ.