ડાંગઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની આઠ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. હવે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી થઈ છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને અપીલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં ૫૩ જેટલી ભૂલો હોવાની માહિતી આપી છે.


દસ્તાવેજી પુરાવા સાથે ભાજપના ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો ન્યાય પાલિકામાં જવાની તૈયારી બતાવી છે. ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદીએ આ માહિતી કરી આપી છે. નોંધનીય છે કે, આજે લીંબડી બેઠક પર ગેમ ચેંજર ગણાતા અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આજે તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. જોકે, તેનું કારણ હજુ જાણી શકાયું નથી.



તેમણે આજે જણાવ્યું હતું કે, હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતિશ. કોંગ્રેસે છેક સુધી ટિકિટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજ ને ટિકિટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સમ્પર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે.



નોંધનીય છે કે, લીંબડીમાં કુલ 20 ઉમેદવારી  ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે.  ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા હવે ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ચૂંટણીજંગ જામશે. ગઈ કાલે ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને અને કોળી સમાજને અન્યાય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને મારી ઉમેદવારીથી નુકશાન જશે. મારે મારા ફઈ કલ્પનાબેન સાથે બોલવાનો પણ સંબંધ નથી. કોંગ્રેસ કે ભાજપ કોઈએ કોળી સમાજને ટીકીટ ન આપી માટે મેં ઉમેદવારી કરી છે. તમામ સમાજના લોકો મારી સાથે છે અને હું જીતીશ. લીંબડી વિધાનસભા બેઠક પર કુલ 2,62,088 મતદારો માંથી 85,601 મતદારો કોળી સમાજનાં છે.