મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જો કે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 135 ટકા જેટલો વરસાદ નોધાયો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો બાકી રહેલા પાકને પણ નુકસાન થયું છે.
તો બનાસકાંઠા બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર પંથરમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા. પાછોતરા વરસાદથી ખેડૂતોના મગફળી, કઠોળ, શાકભાજી અને જીરાના પાકને નુકસાન જવાની ભીતી છે.
17મીએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવ, પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ તુટી પડશે.
18મીએ સોરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.