લીંબડીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ભારે જહેમત પછી લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. લીંબડી બેઠક પર કોંગ્રેસે ચેતન ખાચરને ટિકીટ આપી છે.

કોંગ્રેસના લીંબડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરને લાંબી મંત્રણા બાદ કોંગ્રેસે ટિકીટ આપી છે. ચેતન ખાચર નાની ઉંમરે જ 3 વખત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ચેતન ખાચર યુથ કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારે યુવા ચેહરા તરીકે ચેતન ખાચરની પસંદગી કોંગ્રેસે કરી છે.



કોંગ્રેસના લીંબડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરે સામાન્ય ચૂંટણી કરતા વધારે બહુમતીથી ભાજપના ઉમેદવારને હરાવવાનો દાવો કર્યો છે. સાથોસાથ કોંગ્રેસ પક્ષે પોતાની પક્ષ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ટીકીટ આપી હોવાનું પણ જણાવ્યું હતું. ઉપરાંત પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજીનામુ આપનારાઓના કારણે પેટાચૂંટણી આવી હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની અલગ અલગ 3 બેઠકો પરથી અગાઉ જીત્યા હોવાથી વિધાનસભાની ચૂંટણી સહેલાઈથી જીતશે તેવો દાવો પણ ખાચર દ્વારા કરવામાં આવ્યો છે. 3 બેઠકની હેઠળ 67 ગામ આવે છે, એટલે મને જીતવામાં તકલીફ નહીં પડે, તેમ ખાચરે જણાવ્યું હતું. લીંબડી વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ મારી પ્રાથમિકતા છે, તેમ પણ જણાવ્યું હતું.



લીંબડી પેટાચૂંટણીની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર આજે ઉફોર્મ ભરશે. લીંબડી સેવાસદન ખાતે વિજય મુહૂર્તમાં 12.39 વાગ્યે ફોર્મ ભરશે. સાયલા ખાતે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક બાદ ફોર્મ ભરશે. ત્યારે લીંબડી બેઠક પર કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. દાવેદારોએ ચેતન ખાચરની સાથે જ રહેશે તેવો દાવો કર્યો છે. ચેતન ખાચરને ટીકીટ મળ્યા બાદ દાવેદરોમાં નારાજગી નહીં. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ એક થઈને પેટાચૂંટણી લડશે.