ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનોનાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.


રૂપાણીના મંત્રીમંડળમાંથી જેમનાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, કુમાર કાનાણી અને વાસણ આહિરનો સમાવેશ થાય છે. આ પૈકી ફળદુને વિધાનસભાના સ્પીકર બનાવાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પણ આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી અફવાએ જોર પકડયુ છે.

અત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેસ કરાશે અને વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે.

હાલમાં પ્રદીપસિંહ જાડેજા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે. તેમને કેબિનેટ મંત્રી બનાવીને તેમનું ખાતું બદલવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખપદેથી મુદત પૂરી કરનારા જીતુ વાઘાણી, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને આત્મારામ પરમારને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાઈ શકે છે. આત્મારામ પરમાર હાલમાં ધારાસભ્ય નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રવિણ મારૂને બદલે તેમને ગઢડામાંતી લડાવવાની વાતો ચાલી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને ભાજપના દંડક પંકજ દેસાઇ પણ રાજ્ય કક્ષાના પ્રધાન બની શકે છે.