ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ નાઈટ કર્ફ્યૂ પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ અંગે સોમવારે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1,100 ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.