હાર્દિક પટેલે આજે ખોડલધામમાં નરેશ પટેલ સાથે કરેલી બેઠક બાદ કોંગ્રેસ સાથેની પોતાની નારાજગી હોવાની વાતને કબૂલતાં મહત્વનું નિવેદન આપ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ અમને કશું આપ્યું નથી, અમે જ કોંગ્રેસને બધું આપ્યું છે. હાર્દિકના આ નિવેદન બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી.
કાર્યકારી પ્રમુખનું મહત્વનું પદ આપ્યુંઃ
અમિત ચાવડાએ કહ્યું કે, "હાર્દિક પટેલ અમારા સાથી છે, પાર્ટીએ તેમને કાર્યકારી પ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસની ચિંતન શિબીરમાં નેતા ગણ્યાગાંઠ્યા નેતાઓને શિબીરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ ભાગ લઈને પક્ષના કાર્યક્રમોમાં સહભાગી થવું જોઈએ." હાર્દિકને નાની ઉંમરે સમાજના આંદોલનમાં નેતૃત્વ કરવાની તક મળી, સમાજે મોટા બનાવ્યા કોંગ્રેસ પાર્ટીએ તેમને તેમની ઉંમર અને અનુભવ કરતાં વધારે જવાબદારી આપી છે અને તેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીને કઠેડામાં ઉભી ના કરાયઃ
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, "પાર્ટીમાં વર્ષોથી જે કાર્યકરો અને નેતાઓ મહેનત કરી રહ્યા છે તેના કરતાં હાર્દિક પટેલને વધારે મહત્વ અને જવાબદારી મળી છે. એટલે હાર્દિકે એ મહત્વની જવાબદારી વહન કરવી જોઈએ. વારે-વારે કોંગ્રેસ પાર્ટીને કઠેડામાં ઉભી રાખવી તે યોગ્ય ના કહેવાય. જવાબદાર પદ પર બેઠા હોય ત્યારે જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. નાના-મોટા પ્રશ્નો હોય તો પાર્ટીના ફોરમ પર વાત કરવી જોઈએ. પાર્ટીમાં નાનું-મોટું માન સન્માન ના મળ્યું હોય ત્યારે વ્યક્તિગત બાબતને બાજુ પર રાખીને પક્ષને આપેલા કમિટમેન્ટ માટે કામ કરવાનું હોય છે. પાર્ટીના કાર્યકારી પ્રમુખનું પદ જો મળ્યું હોય તો વિશેષ રીતે પાર્ટીની વિચારધારાને મજબૂત બનાવીને કામ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલ અને હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.