અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું હતું પણ એ ગે કોઈ નિર્ણય નહોતો લેવાયો. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યુવા પાટીદાર નેતા અને હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોનો દાવો છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે હાર્દિક પટેલની વરણી નક્કી છે. હાર્દિક પટેલ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ મહત્વની જવાબદારી સોંપાશે.


કોંગ્રેસમાં સૂત્રોનો દાવો છે કે, ગુજરાત કોંગ્રેસના ખાલી પદો અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ શકે છે. હાઈકમાન્ડે બોલાવતાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી શનિવારે દિલ્હી ગયા હતા. બંને  યુવા નેતાઓ દિલ્હીથી પરત ફરતાં ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે.


સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષીનેતા અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ શકે છે. રવિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે ગુજરાત કોંગ્રેસ અંગે બેઠક થઈ હતી. આ ઉપરાંત ગુજરાતના કેટલાક નેતાઓ સાથે ટેલીફોનીક ચર્ચા પણ થઈ હતી. આ ચર્ચામાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે એવો સ્પષ્ટ સંકેત અપાયો હતો.


કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ બે યુવા નેતાઓને બિહારની પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે તેના કારણે બંનેને મોટી જવાબદારી મળશે એ સ્પષ્ટ છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને બિહારમાં બે બેઠકોની પેટાચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી અપાઈ છે. 30મી તારીખે બિહારમાં વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણી યોજાશે.