Corona Update: ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી વધ્યા છે અને એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચ પર પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં દાખવાઇ રહેલી બેદરકારીને પગલે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થાય તેવી ભીતિ સર્જાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ૩૧ જુલાઇ બાદ નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ


છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, સુરતમાંથી ૯, વલસાડમાંથી ૩, વડોદરામાંથી ૨ જ્યારે ભાવનગર-ગાંધીનગર-જામનગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં શુક્રવારે કોરોનાના ૧૬ કેસ નોંધાયા હતા. આમ, એક દિવસમાં કેસમાં ૭૦%નો વધારો નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૯૭૯ છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૭૨૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે.


કેટલા દર્દી છે વેન્ટિલેટર પર


રાજ્યમાં હાલ ૧૭૧ એક્ટિવ કેસ છે જ્યારે ચાર દર્દી વેન્ટિલેટર પર છે. દોઢ મહિનામાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૭૦ને પાર થયો છે. હાલ સુરત સૌથી વધુ ૪૧, અમદાવાદ ૩૯, વડોદરા ૨૫ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે.  રાજ્યમાં શનિવારે વધુ ૧.૬૪ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.


કેટલો છે રસીકરણનો આંક


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  2  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 1254 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 18645 નાગરિકોને  રસીનો પ્રથમ અને 26036  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  51969  નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 66690 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,64,596  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,13,81,512  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.