અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. રાજ્યમાં થોડા દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. મંગળવારે રાજ્યમાં કોરોનાના વધુ ૧,૭૩૦ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી હતી.
મંગળવાર, 23 માર્ચે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસ પૈકી અમદાવાદમાં 502 અને સુરતમાં 476, સોમવાર, 22 માર્ચે નોંધાયેલા 1640 કેસ પૈકી અમદાવાદમાં 481 અને સુરતમાં 429, રવિવાર, 21 માર્ચે નોંધાયેલા 1580 કેસમાંથી અમદાવાદમાં 443 અને સુરતમાં 405, શનિવાર, 20 માર્ચે નોંધાયેલા 1565 કેસમાંથી અમદાવાદમાં 401 અને સુરતમાં 381 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં નોંધાતા કુલ કેસના આશરે 50 ટકા જેટલા કેસ અમદાવાદ, સુરતમાં નોંધાઈ રહ્યા છે. જેના પરથી આ બે શહેરોની સ્થિતિ વધારે ગંભીર છે તેમ કહી શકાય.
રાજ્યમાં કેમ વધ્યા કેસ ?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન નેતાઓએ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટંસના નિયમો નેવે મૂકીને ભેગી કરેલી ભીડનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. જેને લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.