ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 48  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,39,589 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર  કોર્પોરેશનમાં 2,  આણંદ 1, ભરુચ 1, ખેડા 1, કચ્છ 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 અને વલસાડમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 349   કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 342 નાગરિકો સ્ટેબલ છે. 8,17,263  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો દાવો કહ્યું, -  ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડવા ગુજરાત સક્ષમ


જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે.  રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દીધી છે.  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવો દાવો કર્યો છે કે ઓમિક્રોન વેરિએન્ટ સામે લડવા ગુજરાત સક્ષમ છે. ઓમિક્રોનને પ્રસરતો અટકાવવા માટે હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓના ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 



આરટીપીસીઆર ટેસ્ટ બાદ પણ તમામને વિદેશી નાગરિકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જે પણ હોમ આઈસોલેશનમાં રહેતાર પર પણ સ્થાનિક પ્રશાસનને સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.  જો કોઈ હોમ આઈસોલેશનનું ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્રવાઈ પણ કરવામાં આવશે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે દવા, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોવાની પણ વાત કરી.