રાજકોટઃ ગુજરાતમા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે ત્યારે સરકાર સતર્ક થઇ ગઇ છે પરંતુ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ આરોગ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે. રાજ્યસભા સાંસદ મોકરિયાએ કહ્યું કે રાજકોટ એયરપોર્ટ પર પૂરતા તકેદારીના જ પગલા લેવાતા નથી. હાલ ઓમિક્રોનનો કેસ નોંધાઈ ચૂક્યો છે તેમ છતા રાજકોટ એયરપોર્ટ પર ક્યાંય ચેકિંગ ન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો.  


પોતાના અનુભવને વર્ણવતા મોકરિયાએ કહ્યું કે વિદેશથી આવેલા અને વાયા દિલ્હી થઈ રાજકોટ પહોંચેલા મુસાફરની પૂછપરછ કરતા સામે આવ્યું કે ક્યાંય ચેકિંગ જ થતુ નથી. ઓમિક્રોનના સતત ખતરા વચ્ચે પ્રશાસન હજુ પણ બેદરકારી રાખી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.  સાંસદે રવિવારના દિવસે કલેકટર, આરોગ્ય વિભાગ સહિતના સબંધિત વિભાગો સાથે બેઠક યોજી હતી.  સાંસદના દાવા બાદ એબીપી અસ્મિતાએ આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરતા તેમને એયરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ થતા હોવાનો દાવો કર્યો હતો.


જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઇ છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવો દાવો કર્યો છે કે ઓમિક્રોન વેરિએંટ સામે લડવા ગુજરાત સક્ષમ છે. ઓમિક્રોનને પ્રસરતો અટકાવવા માટે હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓના ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આરટીપીસીઆર ટેસ્ટ બાદ પણ તમામને વિદેશી નાગરિકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જે પણ હોમ આઈસોલેશનમાં રહેતાર પર પણ સ્થાનિક પ્રશાસનને સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ હોમ આઈસોલેશનનું ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્રવાઈ પણ કરવામાં આવશે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે દવા, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોવાની પણ વાત કરી.