Gujarat Corona Cases: રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાં
ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ૧૦ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૫૦૦ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી જ નવા ૫૫૯ કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાંથી છે. સુરત શહેરમાંથી ૧૫૬-ગ્રામ્યમાંથી ૮ સાથે ૧૬૪, વડોદરા શહેરમાંથી ૬૧-ગ્રામ્યમાંથી ૬ સાથે ૬૭, રાજકોટ શહેરમાંથી ૪૧-ગ્રામ્યમાંથી ૨૦ સાથે ૬૧, આણંદ-ખેડામાંથી ૩૯, ગાંધીનગર શહેરમાંથી ૧૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૨૬, કચ્છમાંથી ૨૨, વલસાડમાંથી ૨૧, નવસારીમાંથી ૯, મોરબીમાંથી ૮, ભરૃચમાંથી ૭, જુનાગઢ શહેરમાંથી ૪-ગ્રામ્યમાંથી ૩ સાથે ૭, જામનગર શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૭, દાહોદ-સાબરકાંઠામાંથી ૬, અમરેલી-ભાવનગર શહેરમાંથી ૪, ગીર સોમનાથ-મહેસાણામાંથી ૩, તાપી-મહીસાગરમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૨૫ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૩૨,૮૦૧ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ નવસારીમાં થયું છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૧૯ છે. છેલ્લા ૨૪ કલાકમા ૧૦૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૭૫૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૩૧% છે. રાજ્યમાં હાલ ૩૯૨૭ એક્ટિવ કેસ છે અને ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૫ ડિસેમ્બરે રાજ્યમાં ૮૩૭ એક્ટિવ કેસ હતા. આમ, એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૪૭૫%નો વધારો થયો છે.
હાલ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૦૬, સુરતમાં ૬૧૩ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧,૫૨,૦૭૨ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ રસીકરણનો આંક હવે ૮.૯૫ કરોડ છે.