ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 72 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે જ 53 દર્દી સાજા થયા છે. સંક્રમણથી એક પણ મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,858 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 363 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 363 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,280 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 44, વડોદરા કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 7-7, રાજકોટ કોર્પોરેશન 3, અરવલ્લી- વલસાડમાં 2-2, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.
ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો
અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડા માં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસના ગામડાઓમા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પુર હોય ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે.
ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. ઢસા, ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી રાહત મળી છે.
ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજૂ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. જો કે હજુ પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.