અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી હવે માસ્ક પહેરવા અંગેના નિયમો વધારે કડક બનાવાયા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા તથા પોલિસ અધિકારીઓને રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો સામે દંડની કાર્યવાહી કડક રીતે કરવા માટે આદેશ કર્યો છે. તેમણે સૂચના આપી છે કે, માસ્ક પહેર્યો હોય પણ આ માસ્ક નાકની નીચે હોય તથા મોં-નાક ના ઢંકાતાં હોય તો પણ 1000 રૂપિયાનો દંડ ફટકારો કે જેથી લોકોમાં જાગૃતિ આવે.


પોલીસ વડાએ પત્રમાં લખ્યું છે કે,  શહેરો, નગરો અને મોટા રસ્તાઓ પર ઝુંબેશ ચલાવીને માસ્ક નહીં પહેરનારાં કે મોં-નાક ખુલ્લું રહે તે રીતે માસ્ક પહેરનારાં લોકો સામે કડક હાથે કામ લઇ 1 હજાર રૂપિયા દંડની વસૂલાત કરવી. આ નિયમનો ભંગ કરનાર  કોઇ પણ વ્યક્તિ સામે નરમાશથી નહીં વર્તીને તેમની સામે આકરું વલણ અપનાવવા કહેવાયું છે. પોલીસ વડાએ કહ્યું કે, કોરોનાના કેસોને રોકવા અને તેનો ચેપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય છે. આ કારણે  લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવી.


અમદાવાદ શહેરમાં માસ્ક વિના ફરતા રોજના 600થી 700 લોકો દંડાય છે. છેલ્લા 12 દિવસમાં પોલીસે માસ્ક નહીં પહેરનારા કુલ 7848 લોકો સામે કેસ કરી કુલ 78.48 લાખનો દંડ વસૂલ કર્યો હતો. 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે માસ્ક વગર ફરતા 4 લાખ લોકોને પકડીને કુલ 34 કરોડનો દંડ વસૂલ્યો હતો.


પોલીસ વડાએ  તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં આદેશ આપ્યો છે અને કોઈ પણ પ્રકારની ચૂક વિના રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો સામે દંડની કવાયત તેજ કરવા કહ્યું છે. 


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.