Gujarat crop survey: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનના સર્વેક્ષણ અંગે કેટલાક વર્તમાનપત્રોમાં 'સરકારનું જુઠ્ઠાણું' અને 'મૌખિક આદેશ અને પરિપત્ર વચ્ચે વિસંગતતા' જેવા જે અહેવાલો પ્રસિદ્ધ થયા છે, તેને કૃષિ મંત્રીએ સંપૂર્ણપણે તથ્યહીન અને સત્યથી વેગળા ગણાવ્યા છે. મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે સરકારે મગફળીના દાણામાં ડેમેજ હોય તો જ નુકસાની ગણવી, એવી કોઈ સૂચના આપી નથી. આકસ્મિક કમોસમી વરસાદની (માવઠા) સ્થિતિને ધ્યાનમાં રાખીને, પાકની કાપણીની અવસ્થાઓને ધ્યાને લઈને, તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટીતંત્રને દિન-7 (સાત) માં સર્વેની કામગીરી પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ખેડૂતોને આવી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગેરમાર્ગે ન દોરાવા માટે સરકારે અપીલ કરી છે.
પાક નુકસાની સર્વે અંગેની અફવાઓનું ખંડન
રાજ્યમાં પડેલા અચાનક કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનના સર્વે અંગે અમુક દૈનિક વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને કૃષિ મંત્રીએ તથ્યહીન અને ભૂલભરેલા અર્થઘટન સાથેના ગણાવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ અહેવાલોમાં સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વિસંગતતા હોવાની અને પાક નુકસાની સર્વે મામલે સરકાર જુઠ્ઠાણું ચલાવી રહી હોવાની વાત સંપૂર્ણપણે સત્યથી વેગળી છે. તેમણે ખેડૂતોને આવી ખોટી વાતો અને અફવાઓમાં ન આવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.
નુકસાનીના પ્રકાર અંગે સ્પષ્ટતા
કૃષિ મંત્રીએ ખાસ કરીને મગફળીના પાકને લઈને ફેલાયેલી અફવા અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે અહેવાલોમાં જે મુજબ 'મગફળીના દાણામાં ડેમેજ હશે તેમાં જ નુકસાની ગણાશે' તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે તથ્યહિન છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીના પ્રકાર ગણવા અંગે આ મુજબની કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી નથી. સરકારનો મુખ્ય હેતુ એ છે કે અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને નિયમોનુસાર તેમને ઝડપથી સહાય મળી રહે.
સર્વેની સમયમર્યાદા પરની વિસંગતતાનું નિરાકરણ
અહેવાલોમાં સર્વે માટે 7 દિવસ અને પરિપત્રમાં 20 દિવસ ની વિસંગતતા અંગેની વાતને મંત્રીએ ખોટા અર્થઘટન સાથેની ગણાવી છે. તેમણે સમજાવ્યું કે અહેવાલોમાં જે 20 દિવસ માં સર્વે પૂર્ણ કરવાના પરિપત્રનો ઉલ્લેખ છે, તે હાલની કુદરતી આપત્તિની ઘટનાના ઘણા સમય પહેલા એટલે કે 12 મે, 2025 અને 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ ખરીફ, રવિ અને ઉનાળુ સિઝનમાં પાક નુકસાનીના ડિજિટલ સર્વે માટેની સ્થાયી અને કાયમી સૂચનાઓ અંગેનો ઠરાવ છે. તે ઠરાવમાં 20 દિવસ ની સમયમર્યાદા માત્ર મહત્તમ સમયમર્યાદા દર્શાવે છે, જેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે.
આનાથી વિપરીત, હાલની આકસ્મિક કમોસમી વરસાદની પરિસ્થિતિ માં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇને, તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે 30 ઓક્ટોબર, 2025 ના પત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટીતંત્રને દિન-7 (સાત) માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિના પ્રકાર અને સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા અને વહીવટી સૂચનાઓ આપવામાં આવે છે, જેથી સમયમર્યાદાની બાબતમાં કોઈ વિસંગતતા નથી.
ખેડૂતોને અપીલ અને સર્વેની પદ્ધતિ
કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈઓ-બહેનોને ફરીથી વિનંતી અને અપીલ કરી છે કે ખોટી વાતો ફેલાવનારાઓથી ગેરમાર્ગે ન દોરાય. હાલની કમોસમી વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇને, તમામ જિલ્લાઓને સર્વેની કામગીરી ફિઝીકલ (Physical) તેમજ જરૂરિયાત મુજબ ડિજિટલ (Digital) માધ્યમથી કરવા અને કોઈપણ અસરગ્રસ્ત ખેડૂતને મુશ્કેલી ન પડે તે રીતે દિન-7 માં સર્વે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.