ગાંધીનગરઃ રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રૂપાણી સરકારે લોકોને રાહત આપી છે. કોરોનાના ટેસ્ટ માટેના ચાર્જમાં રૂપાણી સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે જો કોઇ વ્યક્તિ પોતાના ઘરેથી ટેસ્ટ કરાવશે તો તેને બે હજાર રૂપિયા ચૂકવવા પડશે જે અગાઉ ટેસ્ટિગ માટે ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા. આવતી કાલથી આ ચાર્જ લાગૂ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ કેસ 1364 નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી ગઈ હતી.