પાંચ દિવસના વિરામ બાદ રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં જેમાં સૌથી વધુ વરસાદ અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે ખાંભામાં 1 વ્યક્તિનું મોત થયું હતું.


રવિવારે ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં અંબાજીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોના અને ઝાડ પડવાથી એક બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું હતું. ભારે વરસાદને કારણે અંબાજીમાં વાહનો પણ પાણીમાં તણાયા હોય તેવી દ્રસ્યો સામે આવ્યા હતાં.

ગુજરાતમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે તો 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ આપવામાં આવ્યું છે. એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે. માત્ર 23 ડેમ એવા છે જ્યાં સંગ્રહ ક્ષમતા કરતાં 70 ટકાથી ઓછું પાણી છે એટલે ત્યાં કોઈ સિગ્નલ આપવામાં આવ્યું નથી, તેમ નર્મદા વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે.

સરદાર સરોવર ડેમમાં અત્યારે 89.98 ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર સહિત રાજ્યના 206 ડેમોમાં કુલ 87.24 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 95.13 ટકા છે. સૌરાષ્ટ્રના કુલ 86 ડેમો 100 ટકા સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં પણ 94.16 ટકા પાણી છે.