ગાંધીનગરઃ ગુજરાતમાં સતત કોરોનાં કેસો વધી રહ્યાં છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, 1 એપ્રિલથી રાજ્યમાં 45 વર્ષથી વધુ વયનાં લોકોને પણ કોરોનાની રસી આપવાનું કામ શરૂ કરાશે.


 


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોરોનાની વેંકસિન આપવાનું કામ પણ ઝડપથી થઇ રહ્યુ છે અને ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુની મુદત લંબાવાઈ છે. તેમણે અપીલ કરી કે, નાગરિકો એક જગ્યાએ મોટા પ્રમાણમાં ભેગા ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવે અને બધા જ નાગરિકો માસ્ક પહેરે તેવી અપીલ છે.


 


રાજ્યમાં રાજકીય પક્ષોના અને ખાસ તો ભાજપના કાર્યકરો માસ્ક નથી પહેરતા અને ભાજપના કાર્યકરો જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે એવા સવાલના જવાબમાં નીતિન પટેલે કોઈ જવાબ નહોતો આપ્યો. નેતાઓ અને રાજકીય કાર્યકરોને બેફામ વર્તવાની છૂટ છે એ મુદ્દે નીતિન પટેલે ગોળ ગોળ જવાબ આપતાં કહ્યું કે, અમે જે સૂચનાઓ આપીએ છીએ તે બધાંને લાગુ પડે છે અને રાજકીય વ્યક્તિઓને પણ લાગુ પડે છે. તેમણે સલાહ આપી કે, જવાબદાર નાગરિક તરીકે બધાંએ જવાબદારી નિભાવવી જોઈએ. જો કે રાજકીય પક્ષો દ્વારા નિયમભંગ અંગે કોઈ કાર્યવાહી કરવાની વાત નહોતી કરી.


ગઈકાલે ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું ન સમજ્યા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું સમજ્યા ન હતા. આ તો હજુ ચૂંટણીની શરૂઆત જ છે. ત્યાં જ આ પ્રકારના રાજકીય પક્ષોના તમાશા શરૂ થયા છે. ત્યારે ચૂંટણી નજીક આવતા આ રાજકીય પાર્ટીઓ શું શું કરશે તે તો જોવું જ રહ્યુ. સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગાંધીનગરમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ગાંધીનગર પોલીસ માસ્ક વગર દેખાતા આ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરશે ?