ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 83 ટકા એટલે કે 151 કરોડપતિ ધારાસભ્યો છે. 2017માં વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા 141 હતી. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઈલેક્શન વોચના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.






ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવ્યા હતા. ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી છે. કોંગ્રેસે 17 અને AAPને 5 સીટો જીતી છે. એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપના 156માંથી 132 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 17માંથી 14 ધારાસભ્યો કરોડપતિ છે. ત્રણ અપક્ષ, AAP અને SPના એક-એક ધારાસભ્ય કરોડપતિ છે.


કોની પાસે કેટલી મિલકત છે?


182 ધારાસભ્યોમાંથી 151 કરોડપતિ છે, જેમાંથી 73 પાસે 5 કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે 73 ધારાસભ્યો પાસે 2 કરોડથી 5 કરોડની સંપત્તિ છે. ગુજરાતમાં પ્રતિ ધારાસભ્યની સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2017ની સરખામણીમાં આ લગભગ બમણું છે. 2017માં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 8.46 કરોડ છે.


કોની પાસે સૌથી વધુ મિલકત છે?


રિપોર્ટ અનુસાર, ગુજરાતના માણસાથી ભાજપના સૌથી અમીર ધારાસભ્ય જેએસ પટેલ છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે. બીજો નંબર સિદ્ધપુરના ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂતનો છે. તેમની પાસે 372 કરોડની સંપત્તિ છે. રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાલા ત્રીજા નંબરે છે. તેમની પાસે 175 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


74 ધારાસભ્યો ફરીથી ચૂંટાયા


એડીઆરના અહેવાલ મુજબ, 74 ધારાસભ્યો ફરીથી ચૂંટાયા અને તેમની સંપત્તિમાં સરેરાશ 2.61 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2017ની સરખામણીમાં આ 40 ટકાનો વધારો છે. ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલની સંપત્તિ 5 વર્ષમાં 32.52 રૂપિયાથી વધીને 61.47 કરોડ રૂપિયા થઈ છે. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીની સંપત્તિ 2.12 કરોડ રૂપિયાથી વધીને 17 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 5 વર્ષમાં પ્રોપર્ટીમાં 15 કરોડનો વધારો થયો છે.


રિપોર્ટ અનુસાર, ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 6 પોસ્ટ ગ્રેજ્યુએટ, 19 ગ્રેજ્યુએટ અને 6 ડિપ્લોમા ધારક છે. જ્યારે 86 ધારાસભ્યોએ 5 થી 12 સુધી અભ્યાસ કર્યો છે. સાથે જ 7 ધારાસભ્યોએ પોતાને માત્ર શિક્ષિત ગણાવ્યા છે.


કોના પર કેટલા કેસ?


રિપોર્ટ અનુસાર 40 નવા ધારાસભ્યો સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. એડીઆરનું વિશ્લેષણ દર્શાવે છે કે આ 40 ધારાસભ્યોમાંથી 29 સભ્યો (કુલ 182માંથી 16 ટકા) ગંભીર ગુનાહિત કેસોમાં સંડોવાયેલા છે. તેમના પર હત્યાનો પ્રયાસ અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે. આ 29 સભ્યોમાંથી 20 ભાજપના, 4 કોંગ્રેસના, 2 આમ આદમી પાર્ટી, 2 અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના છે. ભાજપના 156માંથી 26 ધારાસભ્યો (17 ટકા), કોંગ્રેસના 17માંથી 9 ધારાસભ્યો (53 ટકા), AAPના 5માંથી 2 ધારાસભ્યો (40 ટકા), 3માંથી 2 અપક્ષ (68 ટકા) અને સમાજવાદી પાર્ટીના એકલા ધારાસભ્ય કાંધલ જાડેજા છે. તેની સામે ફોજદારી કેસ પેન્ડિંગ જાહેર કર્યો છે.