Gujarat Election 2022: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.
મતદારને સગવડતા રહે તે માટે દરેક મતદાર વોટર પોર્ટલ પરથી મતદાન મથક શોધી શકશે. તેમજ ચુંટણી સબંધિત પુછપરછ માટે હેલ્પલાઇન નંબર-1950 પર કોલ કરીને માહિતી મેળવી શકશે. મતદાન મથકમાં કોઇપણ ગેઝેટ લઇ જવાની મનાઇ છે. મતદાનના દિવસે મત આપવા માટે રજા જાહેર કરવામાં આવેલી છે. મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતિ વધે તે માટે મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું છે.
બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવતી મતદાર માહિતી કાપલી ઓનલાઇન વોટર હેલ્પલાઈન એપથી પણ મેળવી શકાય છે. મતદાન મથકે મત આપવા જતા મતદારે માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ઓળખ દસ્તાવેજોમાંથી કોઇપણ એક તેમજ મતદાર કાપલી સાથે લઇ જવાની રહેશે.
12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. જેમાં મતદાર ફોટો ઓળખપત્ર,આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ બેંક, પોસ્ટ ઓફિસની પાસબૂક(ફોટોગ્રાફ સાથે), શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈંસ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે), નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે), સંસદસભ્ય/ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર સાથે રાખી મતદાન કરી શકાશે.
આજે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ નક્કી થશે.