અરવલ્લીઃ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અંતે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
બાયડ બેઠક પરથી ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા અને ગઈકાલે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાટીલે ચેતવણી આપી હતી કે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પાર્ટી કાર્યવાહી કરે તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું હતું.
તે સિવાય વડોદરાની પાદરા બેઠક પરથી ટિકિટ ન મળતા નારાજ દિનુમામાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. દિનુમામાએ પણ ગઈકાલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપમાંથી દિનુમામા બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ ઉષાબેન ચૌહાણ તથા કારોબારી ચેરમેન હરેશ પટેલ સહિત ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન પરમાર સહિત દંડક પ્રદીપભાઈ જાદવ સહિત કુલ 15 સભ્યો ભાજપના અને 1 અપક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય સહિત કુલ 16 ચૂંટાયેલા સભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
વડગામમાં જામશે ચતુષ્કોણીય જંગ, જાણો જીગ્નેશ મેવાણીને કોણ આપી રહ્યું છે ટક્કર
વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા ચતુષ્કોણીય જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
વડગામ સીટ કોંગ્રેસનો ગઢ રહી છે. 2.94 લાખ મતદારો ધરાવતી વડગામ સીટ પર સૌથી વધુ વોટ મુસ્લિમ મતદારોના છે. જ્યારે બીજા નંબરે દલિત સમાજના વોટ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને જંગના મેદાનમાં ઉતાર્યા છે. જોકે, ઓવેસીની પાર્ટી AIMIM અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.
ત્યારે મતદારોનો મિજાજ જોઈએ તો, મોટાભાગની પાર્ટીએ આયાતી ઉમેદવાર મુક્યા છે. આયાતી ઉમેદવારો સામે વિરોધ જતાવતા મતદારો વડગામના વિકાસને ઝંખી રહયા છે. વડગામ એસ.સી.સીટ છે. જ્યાં રાજકીય પક્ષો દ્વારા આજદિન સુધી આયાતી ઉમેદવારો મુકાયા છે. જેને કારણે વડગામનો જોઈએ એવો વિકાસ થયો નથી. ત્યારે વડગામમાં કરમાવદ તળાવ, મોકેશ્વર ડેમમાં પાણીની સમસ્યા હલ કરે તેવો ધારાસભ્ય આવે તેવો મત મતદારો વ્યક્ત કરી રહ્યા છે.
વડગામમાં કોઈ ધંધા રોજગાર નથી. ત્યારે વડગામમાં જી.આઇ.ડી. સી બને અને ધંધા રોજગાર વધે તથા પાણીની સમસ્યા હલ થાય તેવા ધારાસભ્યને લોકો ઇચ્છી રહ્યા છે. આમ, વડગામમાં આયાતી ઉમેદવારો વચ્ચે કોના પર પસંદગીનો ઢોળવો તેને લઈને મતદારો અવઢવમાં છે. ત્યારે કોઈપણ રાજકીય પક્ષ પણ જીતનો દાવો કરી શકવાની સ્થિતિમાં નથી