Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ 9 યાદી બહાર પાડી અનેક બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી એક પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. દિગ્ગજ નેતાઓ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ટિકિટ માટે ભાજપના અનેક મોટા કદાવર નેતાઓએ ટિકિટની માંગણી કરી છે ત્યારે વિવાદ ઉભો થવાનું નક્કી છે. 


ભાજપ માટે સૌથી સુરક્ષિત ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર ટિકિટ માટે ભાજપમાં જબરજસ્ત ખેંચતાણ શરુ થઈ છે.  હવે આ બેઠક પર ટિકિટ માટે ખુદ કદાવર નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા મેદાનમાં આવ્યા છે.  વજુભાઈ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટીને ટિકિટ મળે તે માટે પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂઆત કરી છે.  આ વિવાદ અંગે મીડિયા સાથેની વાતમાં વજુભાઈએ કહ્યુ કે  ચારેય બેઠકો માટે સંકલન સમિતિએ રજૂઆત કરી છે.  ભાજપ જ્ઞાતિ અને જાતિ નથી જોતી  જે ઉમેદવાર જીતવા માટે સક્ષમ હોય તેને પાર્ટી ટિકિટ આપે છે.


રાજકોટ શહેરની પશ્ચિમ બેઠકને હાઈપ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. આ બેઠક પરથી ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટાયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ આ બેઠક પરથી જ ચૂંટાયા હતા. ત્યારે હવે એ જોવાનું રહેશે કે ભાજપ આ બેઠક પર કોને ટિકિટ આપી ઉમેદવાર બનાવે છે.


Gujarat Election 2022: કોગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે


કોગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું હતું.  મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને  રાજીનામુ મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચ વાગ્યે ભાજપમાં જોડાશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.  મોહનસિંહ  રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે.


મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે.  નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ  રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.


ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.