Gujarat Election 2022: કોગ્રેસ પર નિશાન સાધતા કાલોલમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- 'જેટલું કાદવ ઉછાળશો તેટલું કમળ ખીલશે'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. તેમણે પંચમહાલના કાલોલ એક જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી ક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.
પીએમ મોદીએ જનતાને અગાઉના તમામ રેકોર્ડ તોડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર કમળનું ફૂલ ખીલવું જોઈએ. હું તો ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, તે ગુણ લઈને કામ કરી રહ્યો છું, આ કોંગ્રેસવાળાને ગુજરાતે મને જે શક્તિ આપી છે ને, ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે, એ એમને ખટકે છે.
'રાવણ'ના નિવેદન પર પીએમ મોદીની ટકોર
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પણ રામ સેતુને નફરત કરે છે. કોંગ્રેસમાં પીએમ પદને બદનામ કરવા માટે કોણ સૌથી વધુ ગાળો આપી શકે તેની સ્પર્ધા ચાલી રહી છે. તેમણે રાવણ અને હિટલર વિશેના નિવેદન અંગે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે લોકો જેટલો કાદવ ઉછાળશે તેટલું જ કમળ ખીલશે.
કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લે, તમારી લોકતંત્રમાં શ્રદ્ધા, અશ્રદ્ધા એ તમારો વિષય છે, તમારે એક પરિવાર માટે જીવવાનું હોય તો એ તમારી મરજી, પણ એક વાત લખી રાખજો જેટલો કીચડ ઉછાળશો, એટલું જ કમળ વધારે ખીલવાનું છે.