Gujarat election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ભાજપ માટે પ્રચાર કરી જનસભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કબૂલાત કરી કે મોહનસિંહ રાઠવાને હરાવવા માટે ભાજપ સક્ષમ નહોતું. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે પ્રચાર માટે છોટાઉદેપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.
રાજેન્દ્રસિંહ રાઠવા મોહનસિંહ રાઠવાના પુત્ર છે. થોડા દિવસ પહેલાં જ 10 વખત ધારાસભ્યપદે ચૂંટાનારા મોહનસિંહ રાઠવા તેમના બંને પુત્ર સાથે ભાજપમાં જોડાયા હતા. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે સ્વીકાર્યું કે મોહનસિંહને હરાવવા માટે ભાજપ સક્ષમ નહોતું. આ સાથે જ કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો કે આવા નેતાને કૉંગ્રેસ કેમ સાચવી નથી શકતી.
Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ગાંધીનગર: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે. બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી. ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી. બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે.
ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાકાત આપી છે. ગુજરાતમાં ભાજપની જીત એવી જ થશે કે લોકો ઇતિહાસમાં યાદ રાખશે. હિમાચલમાં આમ આદમી પાર્ટી આવી જ નથી શકી કેમકે હિમાચલમાં તો ઉપર ચડવું પડે છે. પહાડ પર ચડતા ચડતા એમના શ્વાસ ફુલાઈ ગયા એટલે ત્યાંથી ફરી પાછા ગયા. હિમાચલ અને ગુજરાતમાંથી પાર્ટીની ડિપોઝિટ પણ જવાની છે. ભ્રષ્ટાચાર વિરોધી વાત કરવા વાળા પક્ષના નેતાઓ જેલમાં છે. સત્યેન્દ્ર જૈને જેલમાં મસાજ કરાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી નોબત જ કેમ આવી કે ભ્રષ્ટાચાર આરોપ લાગે અને જેલમાં જવું પડે. દિલ્હીમાં પણ ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે.
પંજાબમાં પણ ત્રણ મહિનાની અંદર એક મંત્રીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. પંજાબમાં પણ કાનૂની વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એવું કલ્ચર ઊભું કરી રહી છે કે આવનાર સમયમાં મોટું નુકસાન થશે. 8 તારીખે ચૂંટણીના પરિણામોમાં હિમાચલને ગુજરાતમાં ભાજપની જીત થશે.