અમદાવાદઃ આજે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની સાથે ત્રણ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પણ પરિણામો પણ આવી રહ્યા છે. થરા અને ઓખા પછી ભાણવડ નગર પાલિકામાં પણ ભાજપે ખાતું ખોલ્યું છે. આ સાથે નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાવાનો શરૂ થઈ ગયો છે. 24 બેઠકોવાળી ભાણવડ નગર પાલિકામાં 3 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.ભાણવડ વોર્ડ નં- 1માં

  ઇલાબેન નરેશભાઈ બલવા ભાજપ, દીનાબેન ભીખુ ભારતી ભાજપ, કલુભા ભારાણી ભાજપ અને દેવજીભાઈ માવજીભાઈ નકુમ (કોંગ્રેસ)નો વિજય થયો છે.


થરા નગર પાલિકાનું પરિણામ પણ આવવાનું શરૂ થયું છે. 24 બેઠકો ધરાવતી થરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. આ સાથે ભાજપે થરા નગર પાલિકામાં 8 બેઠકો કબ્જે કરી લીધી છે.  સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ, અને અમિત જતનીયાની જીત થઈ છે. 


આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં પહેલું ખાતું તાલુકા પંચાયતની બેઠકથી ખોલ્યું છે. અરવલ્લીમાં ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને હરાવી આપ ઉમેદવારે જીત હાંસિલ કરી છે. ઉબસલ બેઠક પર આપના ઉમેદવાર રૂપસિંહ ભગોરા ૧૦૧૫ મતે વિજેતા થયા છે. અગાઉ તાલુકા પંચાયતની બેઠક અપક્ષ પાસે હતી. આપ સમર્થકોએ ઉજવણી કરી હતી.