Gujarat Assembly Election Live: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પોતાની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે પરિણામ ખૂબ સારું આવશે. આ ચૂંટણીમાં પણ અમે જંગી માર્જિનથી જીતીશું. ગુજરાત સરકારની  કામગીરીના આધારે નવી સરકારની રચના થઈ રહી છે. છેલ્લા 20 વર્ષમાં એક પણ હુલ્લડ નથી થયું કારણ કે લોકો જાણે છે કે ભાજપ એક કામ કરતી પાર્ટી છે.






તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતના ગૌરવની વિરુદ્ધ કામ કર્યું છે. આ જ કારણ છે કે લોકો કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે. જે નેતાઓમાં વિઝન નથી તેઓ દેશને આગળ લઈ જઈ શકતા નથી. પરિણામ આવશે ત્યારે બધું નક્કી કરવામાં આવશે. અમે 135 થી 145 સીટો જીતી રહ્યા છીએ. સરકાર બનવાની છે.






જાણો હાર્દિક પટેલ સાથે જોડાયેલી મોટી વાતો


2015 માં, અનામત માટે પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરતી વખતે હાર્દિક પટેલ મુખ્ય નેતા તરીકે ઉભરી આવ્યો હતો. તેમણે ચળવળના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) નું નેતૃત્વ કર્યું હતું.


 પાટીદાર નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ 2019માં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને જુલાઈ 2020 માં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.


હાર્દિક પટેલે મે 2022માં પોતાના ટ્વિટર બાયોમાંથી પાર્ટીનું નામ અને ચિહ્ન હટાવ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે ગુજરાતમાં કોંગ્રેસ અને તેના ટોચના નેતાઓ દ્વારા સાઈડલાઈન કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ છોડ્યાના થોડા દિવસો બાદ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.


પ્રથમ વખત હાર્દિક પટેલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે.   પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તાર વિરમગામથી ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે.