Gujarat Election Result: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. આજે સવારે 9 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. જેમાં અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઈ છે. જોકે, આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. .


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા.


નોંધનિય છે કે, 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.


16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી ચૂંટણી


ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે. આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.


આ પણ વાંચો....


Gujarat Local Polls 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય