Gujarat Police PSI result: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 11,000થી વધુ PSI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે, બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંવર્ગ માટે 8 જાન્યુઆરી, 2025 થી શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ આ કસોટી આપી છે, તેઓ પરિણામ જોવા માટે પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઇટ lrdgujarat2021.in પર ક્લિક કરીને વિગતવાર માહિતી મેળવી શકે છે.
પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભૂલથી જો કોઈ ગેરલાયક ઉમેદવારને લાયક ઠેરવવામાં આવે તો પણ, કોઈપણ તબક્કે તેમની ઉમેદવારી રદબાતલ ગણાશે. આ નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે, અને આ ભરતી પ્રક્રિયા સરકાર તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશોને આધીન રહેશે.
શારીરિક કસોટી પ્રક્રિયામાં દોડ કસોટી અને શારીરિક માપદંડ કસોટી માટે મળેલી અરજીઓની તારીખ 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં RFID ટેક્નોલોજી અને CCTV કેમેરાના ફૂટેજ દ્વારા ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઊંચાઈના માપદંડોની ખાતરી ફોટોગ્રાફ્સ સાથે કરવામાં આવી હતી. આ ચકાસણી પૂર્ણ થયા બાદ જ બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામ અંગે કોઈ વાંધો અથવા રજૂઆત હોય, તો તેઓ નિયત નમૂનામાં અરજી સાથે કોલ લેટરની નકલ અને જરૂરી પુરાવા જોડીને 22 ફેબ્રુઆરી, 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર-382007 ના સરનામે રૂબરૂમાં અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી., સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલી શકે છે. તારીખ 22 ફેબ્રુઆરી, 2025 પછી મળતી કોઈપણ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
આ પણ વાંચો...
પાટીદાર સમાજનાં લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો, ગોરધન ઝડફિયાની ટકોર
‘પૈસા તો આપી દીધા પછી કેમ રેડ પાડી...’ – સુરતમાં બુટલેગર અને પોલીસ વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ