Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે, ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બેઠક થવા જઈ રહી છે.


9 અને 10 નવેમ્બરે થશે બેઠકઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા માટે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાન છે. 9મી તારીખે સાંજે 6:30 કલાકે શરુ થનારી  બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે, ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. ત્યારે ભાજપ દ્વારા 10 નવેમ્બર બાદ તરત જ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.


બે તબક્કામાં યોજાશે ચૂંટણીઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.


બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.


ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાક બુકીઓએ પોલિટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે ? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.