ABVP protest in Gujarat: રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા, ગોધરા, વલસાડ અને તાપી સહિત અનેક શહેરોમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા: વડોદરામાં ABVPના કાર્યકરોએ ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયનથી રેલી શરૂ કરીને ફતેગંજ સર્કલ પહોંચી વિદ્યાર્થીઓએ સરકારના પરિપત્રની હોળી કરી હતી અને રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યું હતું. જેના કારણે લગભગ એક કલાક સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી 20થી વધુ ABVP કાર્યકરોની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓએ 29 લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અને જનજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ કરી હતી.

ગોધરા: ગોધરા શહેરમાં પણ ABVP કાર્યકરોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરના મુખ્ય ચર્ચ સર્કલ માર્ગ પર ધરણાં કરીને વિદ્યાર્થીઓએ એસ.સી., એસ.ટી. મેનેજમેન્ટ કોટા શિષ્યવૃત્તિ શરૂ કરવાની માંગ કરી હતી. પોલીસે 10થી વધુ ABVP કાર્યકરોની અટકાયત કરી હતી.

વલસાડ: વલસાડ ખાતે કોલેજ રોડ પર ABVP કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ એસ.સી., એસ.ટી. શિષ્યવૃત્તિ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ABVP કાર્યકરો અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે રસ્તા રોકવા બાબતે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી, જેના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ABVP કાર્યકરોએ મુખ્ય માર્ગ પર સરકારના પરિપત્રને સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો.

તાપી: તાપી જિલ્લામાં ABVP દ્વારા સેવાસદન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જિલ્લા સેવાસદનની બહાર બેસીને સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વારંવાર આવેદનપત્રો આપવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સરકારના શિષ્યવૃત્તિના પરિપત્રને સેવાસદન ગેટ બહાર સળગાવી વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ બંધ થવાથી સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

ગુજરાતના વડોદરા, ગોધરા, વલસાડ અને તાપી શહેરોમાં ABVP દ્વારા રાજ્ય સરકારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ચક્કાજામ અને પરિપત્રની હોળી કરવામાં આવી હતી, જ્યારે વડોદરા અને ગોધરામાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ SC/ST શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ પર મક્કમ છે.

આ પણ વાંચો....

TRP ગેમઝોન અગ્નિકાંડનું પાપ ધોવા રાજકોટ મેયર પહોંચ્યા પ્રયાગરાજ? સરકારી ખર્ચે મહાકુંભ યાત્રાથી વિવાદ વકર્યો!