નર્મદાઃ રાજ્યની સાથે સાથે ઉપરવાસમાં  ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડેમની સપાટી 131.65 મીટર પહોચતા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી એક લાખ 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઇતિહાસની સૌથી વધુ સપાટી નોંધાઇ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,45,471 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વધુ આવકને કારણે વીજળી ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન અને કેનાલ હેડ પાવર હાઉસ ના 3 ટર્બાઇન દ્ધારા વીજળી ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં 1350 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.




ઉલ્લેખનીય છે કે અગાઉ પાણીમાં ઘટાડો થતા ખોલવામાં આવેલા દરવાજા શનિવારે 11 વાગ્યે બંધ કરી દેવાયા હતા. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે.