ગાંધીનગર: હવામાન વિભાગે ઉનાળામાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ. 20 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ, તો સંઘપ્રદેશ દીવમાં પણ માવઠું પડશે, જ્યારે 21 એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બીજી તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. રાજકોટમાં તો ગરમીનો પારો 42.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ.
તો અમરેલીમાં પણ ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો.
કચ્છ: જખૌ વિસ્તારના દરિયાકિનારે સ્ટેટ આઇબીને ચરસના 20 પેકેટ મળતાં એજેન્સીઓમાં દોડધામ
પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનાવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઇ છે.
જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.