રાજ્યના ખેડૂત મિત્રો માટે સરકાર એક ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક યોજના લઈને આવી છે. પાણીની અછત દૂર કરવા અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકારે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિકનું કવર) સરકારી ખર્ચે ફીટ કરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો સીધો નિયમ છે: ખેડૂતે પોતાના ખર્ચે ખેતરમાં તલાવડી (ખાડો) બનાવવાની રહેશે, અને તેમાં સરકાર મફતમાં જીઓમેમ્બ્રેન લગાવી આપશે. આનાથી ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેનો ઉપયોગ ખેડૂતો ખરીફ પાકને બચાવવા અથવા શિયાળામાં (રવિ સીઝનમાં) પૂરક સિંચાઈ તરીકે કરી શકશે. એટલું જ નહીં, લાંબા ગાળે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે. આજથી એટલે કે 30 માર્ચથી આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

કોને મળશે લાભ અને અરજી ક્યારે કરવી?

સિંચાઇ વિભાગની માહિતી મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતો લઈ શકશે. જો તમે પણ તમારા ખેતરમાં તલાવડી બનાવવા માંગતા હોવ, તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી એટલે કે 30 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 15 મે, 2026 રાખવામાં આવી છે. અરજી કરવા માટે ખેડૂતોએ સરકારની સત્તાવાર વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર જવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?

ફોર્મ ભર્યા પછી તમામ અરજીઓ ભેગી થશે. ત્યારબાદ દરેક તાલુકા માટે નક્કી કરેલી સંખ્યા મુજબ કમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ડ્રોમાં જે ખેડૂતોના નામ ખુલશે, તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ સરકારી અધિકારીઓ ખેતરની મુલાકાત (ફીલ્ડ વેરીફીકેશન) લેશે અને બધું બરાબર જણાશે તો લાભાર્થી તરીકે ફાઈનલ મંજૂરી અપાશે. અરજી કરવાથી લઈને ડ્રો સુધીની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઈન જ રહેશે.

સરકાર કેટલા માપ સુધીનો ખર્ચ આપશે?

આ યોજના અંતર્ગત સરકારે સાઈઝની એક મર્યાદા નક્કી કરી છે:

વધુમાં વધુ 40 મીટર લંબાઈ, 40 મીટર પહોળાઈ અને 6 મીટર ઊંડાઈ (1.5:1 ના ઢાળ સાથે) ધરાવતી તલાવડી માટે સરકાર ખર્ચ ભોગવશે.

આ માપ મુજબ વધુમાં વધુ 2460 ચોરસ મીટર જથ્થાનું જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે.

ખાસ નોંધ: જો તમે આનાથી વધારે મોટો ખાડો ખોદાવ્યો હશે, તો મહત્તમ મર્યાદા કરતાં જેટલું પ્લાસ્ટિક વધારે વપરાશે, તેનો ખર્ચ ખેડૂતે જાતે જ ભોગવવો પડશે.

એકવાર ડ્રોમાં નામ ફાઈનલ થયા પછી સિંચાઇ વિભાગ દ્વારા નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર (ઇજારદાર) આવીને પ્લાસ્ટિક પાથરી જશે. જોકે, પ્લાસ્ટિક પથરાઈ ગયા પછી તેમાં વધુમાં વધુ પાણી સંગ્રહ થાય, પ્લાસ્ટિક ફાટી ન જાય અને તલાવડીની સાફસફાઈ રહે, તેની સંપૂર્ણ જવાબદારી ખેડૂતની પોતાની રહેશે.

ઓનલાઈન અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

ફોર્મ ભરતી વખતે ખેડૂતોએ નીચે મુજબની વિગતો અને પુરાવા તૈયાર રાખવાના રહેશે:1. ખેડૂતનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડની નકલ.2. જે ખેતરમાં તલાવડી બનાવવાની છે તેનો સર્વે નંબર અથવા બ્લોક નંબર, જમીનનો વિસ્તાર, તેમજ જમીનના 7/12 અને 8-અ ના ઉતારા.3. કેટલા ચોરસ મીટર જીઓમેમ્બ્રેનની જરૂર છે તેનો અંદાજ (ખેડૂતો તલાવડીના મથાળે મહત્તમ 3 મીટરનો પટ્ટો એન્કરીંગ માટે ગણી શકશે).4. એક બાંહેધરી પત્રક (Guarantee Letter), જેમાં તમારે સંમતિ આપવાની રહેશે કે તમે સ્વખર્ચે તલાવડીનું ખોદાણ કરશો અને તેની મરામત કે સાફસફાઈની જવાબદારી જાતે ઉઠાવશો.