ગાંધીનગર: રાજ્ય સરકારને કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો પગારની ચૂકવણી વહેલા કરી દેવામાં આવશે.
ગુજરાત સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તારીખ 14 ઓક્ટોબરથી લઈ 16 ઓક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.
પગાર અને પેન્શન વહેલું ચુકવવાનો નિર્ણય
તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન વહેલું ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એક પરિપત્ર જાહેર કરી તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના નિયમો છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઓક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચૂકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો
આ પહેલાં 8 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધારાનો ઇજાફો પણ એક સાથે ચુકવવાનો નિર્ણય લેવાયો હતો.
એડહોક બોનસ આપવાની જાહેરાત કરી હતી
ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખીને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કર્મચારીઓ તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી શકે તે માટે ₹7,000 (સાત હજાર રૂપિયા) ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે. આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ જ નહીં, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ, દંડક, પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ અને કોલેજો તેમજ જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા તમામ વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. આર્થિક રાહત આપતો આ નિર્ણય કર્મચારીઓના જીવનમાં તહેવારની ખુશીઓમાં વધારો કરશે.