અમદાવાદ: રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહેશે. ચોમાસાની સિઝન રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.14 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા સરેરાશ વરસાદ ખાબક્યો છે. આ તરફ સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 123.26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.
ગુજરાતમાં 16 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 137 તાલુકા એવા છે જ્યાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો છે. 98 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય
આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં 98 MCM (3431 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 877 તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં 114 MCM (3992 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 36 તળાવો, 325 ચેકડેમ અને 31 ડેમ ભરવામાં આવી રહ્યા છે તથા 162 તળાવો, 1104 ચેકડેમ અને 30 ડેમ ભરવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી સરદાર સરોવર ડેમ માંથી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી 10 નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલું છે.
ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ 105 કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર 2024 મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.