કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકાર એલર્ટ છે. વરિષ્ઠ સચિવોને સોંપાઇ મહત્વની જવાબદારી. મુખ્યમંત્રીએ વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, કોર કમિટીની બેઠક યોજીને બધી જ વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી છે.


સાથે જ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આજથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવાની સૂચનાઓ આપી છે. સાથે જ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે. અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે.


સીએમ આ સાથે જ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું છે. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વિવિધ વિભાગના સચિવો અને જેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તે સૌ હાજર રહ્યા હતા.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10012 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.98  ટકા છે.


ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે 16 જૂનના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,18,062 વ્યક્તિઓનું રસીકરણ (CoronaVaccine) કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 935 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.98 ટકા છે.