ગાંધીનગર: ગાંધીનગરમાં પાક વીમા અને ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. જેમાં વરસાદથી પાકમાં થયેલા નુકસાન મુદ્દે ચર્ચા થઇ છે. વરસાદના કારણે પાકનું જે ખેડૂતોનું નુકસાન થયું તેઓને સહાય આપવાની નીતિન પટેલે બાહેંધરી આપી છે.

ત્રણ લાખ હેક્ટર જમીનમાં સર્વે થયાનો નીતિન પટેલે દાવો કર્યો છે. નીતિન પટેલે કહ્યું, વીમા કંપનીઓ સાથે સરકાર સંકલનમાં છે. નીતિન પટેલે જણાવ્યું કે, જેમને પાક વીમો નથી લીધો તેમને પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. મહા વાવાઝોડને લઇને નુકસાનની ભીતિ હતી પરંતુ આ વાવાઝોડું ટળી ગયું છે તેનાથી કોઇ નુકસાન નથી થયું. પરંતુ આ વાવાઝોડાના કારણે તૈયાર પાકને નુકસાન થયું હોય ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે.

કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. તેથી ખેડૂતોને પાકમાં નુકસાન મુદ્દે સહાય અપાશે. સર્વે પૂર્ણ કરી ઝડપથી વળતર ચુકવવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ જ આ મુદ્દે જાહેરાત કરી છે. આજે રિવ્યુ બેઠક યોજાઇ હતી. કૃષિ વિભાગે 5 લાખ હેક્ટર કરતા વધુ જમીન પર સરવેની શરૂઆત કરી છે. 3 લાખ હેક્ટર જમીન પર સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.