ગુજરાતનાં ક્યાં છ શહેરોમાં લોકડાઉન? ક્યાં સુધી થશે અમલ? જાણો શાની દુકાનો જ રહેશે ખુલ્લી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2020 10:12 AM (IST)
લોકડાઉનના પગલે આ છ શહેરો બુધવાર સુધી અંશતઃબંધ રાખવાની જાહેરાત થતાં એસટી અને ખાનગી બસોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકડાઉન જાહેર થઈ ચૂક્યો છે. આ તમામ શહેરો 25 માર્ચ સુધી અંશતઃ બંધ રહેશે. દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કશું નહીં મળે ને આ ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. લોકડાઉનના પગલે આ છ શહેરો બુધવાર સુધી અંશતઃબંધ રાખવાની જાહેરાત થતાં એસટી અને ખાનગી બસોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતથી કોઈ બસ અવરજવર કરી શકશે નહીં અને ગુજરાતની તમામ સરહદો પણ સીલ કરવામાં આવી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં પણ 25 માર્ચ 2020 સુધી દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ સિવાયની તમામ દુકાનો તથા મોલ્સ બંધ રાખવાનો મુખ્યમંત્રી રૂપાણીએ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં અન્ય રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવતી પેસેન્જર બસ સેવાઓ અને ટેક્સી કેબના પ્રવેશ પર 31 માર્ચ 2020 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેમાંથી અવર જવરના કારણે વાઈરસનો ફેલાવો વધે નહી તેની તકેદારી અને સાવચેતી રૂપે રાજ્ય સરકારે નિણર્ય કર્યો છે.