ગાંધીનગર: કોરોનાના કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા છે. ગુજરાત સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને હાલ પૂરતું મોકૂફ કરવા કેંદ્રીય ચુંટણી પંચને વિનંતી કરશે. રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચે મતદાન થવાનું છે. જેમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જો કે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ રાજસ્થાનમાં જયપુરમાં આવેલ રિસોર્ટમાં છે.


નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને અગાઉથી રજૂઆત કરી હોવાનું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલના આ નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, ભાજપ હાર ભાળી જતા ચૂંટણી મોકૂફ કરવા ઈચ્છે છે. અમિત ચાવડાએ કહ્યું, તોડજોડ કરવા છતાં કોંગ્રેસ બે બેઠક જીતે તેનો ડર છે.

ગુજરાતમાંથી કોગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને રાજ્યસભા ચૂંટણી માટેના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ઉમેદવારી નોંધાવી છે.