ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. 14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવાઈ
ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે આગામી તા. 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. 14 નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી પાકને મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ હતું. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ હતું તેવા અહેવાલ હતા. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ હતું.મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા હતા. સર્વેના આધારે રાજ્ય સરકારે 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.