રાજ્ય સરકારે આ વર્ષે ઇદ મિલાદના અવસરે  ઝુલુસને મંજૂરી આપી છે. મંગળવાર 19 ઓક્ટોબરે ઇદ છે, ત્યારે કોવિડના નિયમો સાથે સહ શરત ઝુલુસ કાઢવાની સરકારે મંજૂરી આપી છે. રાજય સરકારે ઇદે મિલાદના પર્વની ઉજવણીને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે.


ઉલ્લેખનિય છે કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ઇદે મિલાદમાં ઝુલુસ માટે પરમિશન આપવામાં આવે તેવી ઇચ્છા મુસ્લિમ બિરાદરોની હતી. જેના પગલે કોંગ્રેસના દરિયપુર બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને  અને વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદાએ ઇદના અવસરે ઝુલુસના આયોજન માટે પરવાનગી આપવા માટે રજૂઆત કરી હતી. આ તમામ ધારાસભ્યોની રજૂઆત બાદ અને વિચાર વિમર્સ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે ઇદ મિલાદના અવસરે ઝુલુસની પરવાનગી આપી છે.  જો કે ઝુલુસમાં કોવિડના નિયમોનું પાલન કરવા માટે પણ સરકારે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે સરકારની ગાઇડલાઇન સમજીએ


રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ઇદે મિલાદની ઉજવણી માત્ર દિવસ દરમિયાન જ થઇ શકશે. જે વિસ્તારનું ઝુલુસ હશે તે જ વિસ્તારમાં ઝુલુસ ફરી શકશે. ઉપરાંત એક જ વાહન અને 15 લોકોની સંખ્યા મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.


આ પહેલા નવરાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને 400 લોકોની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નહોતી.


 


 


રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં પણ 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી.  આ  ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે જરુરી રહેશે.  આ પ્રકારના  આયોજનોમાં લાઉડ સ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.