Kutch : કચ્છ માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે.જેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. 


અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતોને થશે લાભ 
આ વેળાએ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં કે કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ 45 કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે, ઉલ્લેખનીય છે કે આ પેટા કેનાલના અટકેલા કાર્યના નિર્માણ માટે કચ્છ કિશાન સંઘ દ્વારા ગત માસની 24 તારીખે રુદ્રામાતા સ્થળેથી ભૂજ સુધી ટ્રેકટર રેલી યોજાઈ હતી. 


પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની 45 કિ.મી. લંબાઈમાં 176 જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના 23.025 કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે. હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે.


રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે
આ કેનાલ માટે મુખ્યમંત્રી સમક્ષ અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો, અગ્રણીઓ, પદાધિકારીઓ વગેરેએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે. 


ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગ ના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.